વડોદરામાં રોજ રૂા.2 લાખના નશીલા ડ્રગ્સનો કારોબાર થાય છે

વડોદરામાં રોજ રૂા.2 લાખના નશીલા ડ્રગ્સનો કારોબાર થાય છે

વડોદરા: ડ્રગ્સ કેરિયર પીન્ટુ પુરોહિત પકડાતાં મુંબઇથી વડોદરા સુધીના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. એક અંદાજ મુજબ શહેરમાં રોજ રૂા. 2 લાખના ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. ડ્રગ્સના સોદાગરોએ વિસ્તારો મુજબ વહેંચણી કરી નશેબાજોને સપ્લાય કરી રહ્યા હોવાની પણ વિગતો સપાટી પર આવી છે. પીન્ટુ અને તેના સાગરીતોનું નેટવર્ક સુરતથી ભરૂચથી નડિયાદ સુધી વિસ્તરેલું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
હર્ષ પટેલ હત્યાકેસના સૂત્રધાર પુલત્સ્ય ઉર્ફે પીન્ટુ દિલીપ પુરોહિતને એસઓજીની ટીમે મ્યાંઉ/ એમ.ડી. નામનો મેથામ્ફેટામાઇન તેમજ એમડીએમએના સંયોજનવાળા રૂા. 4.13 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછતાછમાં પીન્ટુએ ડ્રગ્સ મુંબઇના નાઇજિરિયન પાસેથી લાવ્યો હોવાની કેફિયત કરી હતી. સૂત્રો અનુસાર, હત્યા કેસમાં જામીન પર છૂટ્યા બાદ પીન્ટુ મુંબઇમાં તેની ગર્લફ્રેન્ડ રૂબી સાથે રહેતો હતો. પીન્ટુ પકડાયો ત્યારે રૂબી પણ મકરપુરા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. પીન્ટુની ધરપકડ થતાં જ આ કેરિયરોમાં દોડધામ મચી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પીન્ટુએ ડ્રગ્સના કારોબારમાં તેના 7 કેરિયરોને શહેરના જુદા જુદા વિસ્તારો વહેંચી દીધા છે. આ કેરિયરોને દર બે-ત્રણ દિવસે 500 થી 600 ગ્રામનું પાર્સલ મોકલવામાં આવે છે. પીન્ટુનો અંગત ગણાતો મૂળ સુરતનો જાડુ નામનો શખ્સ આ પાર્સલમાં ડ્રગ્સને જે-તે કેરિયરોને સપ્લાય કરે છે. માલ પેટેના રૂપિયા હવાલાથી અથવા તો પીન્ટુ જાતે જ લેવા માટે વડોદરા આવતો હતો. કેરિયરો આ ડ્રગ્સને ખાસ કરીને કોલેજોની આસપાસના વિસ્તારમાં વેચી રહ્યા છે. રોજના 2 લાખનો ડ્રગ્સનો કારોબાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પીન્ટુ NRI યુવકોને ડ્રગ્સના રવાડે ચઢાવવા માટે યુવતીઓનો પણ ઉપયોગ કરતો તો. કારેલીબાગની નૂપુર ઉપરાંત હેતલ, રિયા, નેહા, પિહુ સહિતની યુવતીઓ પણ આ વેપાર સાથે સંકળાયેલી હોવાની વિગતો મળી છે. જે પૈકી કેટલીક યુવતીઓ એનઆરઆઇને ગલગલિયાં કરી ડ્રગ્સના બંધાણી બનાવતી હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું. શહેરના 4 થી 5 જગ્યાએ ફ્લેટ રાખેલા હોઇ ત્યાં ડ્રગ્સની પાર્ટી પણ કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.