વડોદરાઃ 20.25 લાખના દારૂ સહિત રૂપિયા 32 લાખનો મુદ્દામાલ ઝડપાયો

વડોદરાઃ 20.25 લાખના દારૂ સહિત રૂપિયા 32 લાખનો મુદ્દામાલ ઝડપાયો

જી.પી.એસ. (ગ્લોબલ પોઝિસન સિસ્ટમ)નો ઉપયોગ કરી ગુજરાતમાં અંગ્રેજી દારૂનો જથ્થો લઇને આવેલા બે કેરીયરોને રૂપિયા 20.25 લાખના દારૂ સાથે વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પોલીસે અંગ્રેજી દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં શરૂ થઇ રહેલા ગણેશત્સોવ શાંતિપૂર્ણ વાતાવરણમાં પસાર થાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં દેશી-ઇંગ્લીશ દારુનું વેચાણ ન થાય તેમજ ગુજરાત બહારથી દારૂ ન આવે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા બાજ નજર ગોઠવી દેવામાં આવી છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચને નેશનલ હાઇવે નંબર-8 ઉપરથી ઇંગ્લીશ દારૂનો જથ્થો એક ટ્રકમાં પસાર થવાનો છે. તેવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે કપુરાઇ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક ટ્રક પસાર થતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા ઘઉંનું ભૂકી નીચે છૂપાવેલ રૂપિયા 20,25,600ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા 32,35,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે ઇંગ્લીશ દારૂ લઇને વડોદરા તરફ આવી રહેલા સંદિપ ઓમપ્રકાશ ડૈલા (જાટ) રહે. માકડી, રાજસ્થાન) અને સંદિપ અગરસિંગ રાવ (જાટ) રહે. ઘરડાના ખુર્દ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.