વડોદરાઃ વાઘખાના પાસે રાત્રે ચંદનના ઝાડનું થડ કાપી તસ્કરો ફરાર 

વડોદરાઃ વાઘખાના પાસે રાત્રે ચંદનના ઝાડનું થડ કાપી તસ્કરો ફરાર 

વડોદરાના કમાટીબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં વાઘખાના પાછળ ચંદનના ઝાડનું થડ કાપી ચોરી કરી ચંદનચોરો ફરાર થઇ ગયા હતા. મોડી રાત્રે ત્રાટકેલા ચંદનચોરોએ ઠંડીથી બચવા તાપણું પણ કર્યું હતું અને ચોરી કરી વિશ્વામિત્રી નદીના રસ્તે જતા રહ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. કમાટીબાગમાં રાત્રીના સમયે રહેલ સિક્યોરિટીની નિષ્ફળતા છતી થઇ છે. શુક્રવારે મોડી રાત્રે કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં વાઘખાના પાછળ પ્રવેશેલા ચંદનચોરોએ 5 ફૂટના ચંદનના ઝાડ પર લગાવેલ ટ્રી ગાર્ડ કાપ્યું હતું અને ત્યારબાદ ઝાડના થડને વચ્ચેના ભાગથી કાપી નાંખ્યું હતું. રાત્રે ઠંડીથી બચવા માટે નજીક જ ચંદનચોરોએ તાપણું પણ કર્યું હતું તેમ છતાં સ્થાનિક સિક્યુરિટી ગાર્ડર્સને કાનો કાન ખબર પડી ન હતી. ચંદનચોરો ચંદનનું થડ કાપી પાછળ વિશ્વામિત્રી નદીના રસ્તે જતા રહ્યા હતા. જોકે આ ઝાડની પાસે આવેલ અન્ય ચંદનના ઝાડને કાપવાનો પ્રયાસ પણ કરાયો ન હતો. આ મામલે કમાટીબાગની સિક્યોરિટી એજન્સીના ફિલ્ડ ઓફિસર દુર્વેશ અહીવરણ યાદવે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે સવારે દિવસના સિક્યોરીટી ઓફિસર મયુર યાદવે ફોન કરી ચંદનનું ઝાડ કપાયું હોવાનું જણાવતાં તે સ્થળ પર પહોંચ્યો હતો.