દેશભરમાં બધી બાજુ બળાત્કારો થઈ રહ્યા છે: બાળકીઓની સુરક્ષા મુદ્દે સુપ્રીમ લાલઘૂમ

દેશભરમાં બધી બાજુ બળાત્કારો થઈ રહ્યા છે: બાળકીઓની સુરક્ષા મુદ્દે સુપ્રીમ લાલઘૂમ

બિહારના મુઝફ્ફરપુર અને ઉત્તર પ્રદેશના દેવરિયાના બાલિકા ગૃહોમાં સગીરાઓના શારીરિક-માનસિક શોષણના કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી હતી. મુઝફ્ફરનગરમાં ૩૨ અને દેવરિયામાં ૪૨ સગીરના યૌનશોષણ મુદ્દે સુપ્રીમે સુઓ મોટો સુનવણી વખતે સુપ્રીમે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, દેશમાં ડાબે, જમણે, વચ્ચે ચારેય બાજુ બળાત્કારો થઈ રહ્યા છે. આ બધું શું થઈ રહ્યું છે? આ સુનવણી જસ્ટિસ મદન લોકુર, દીપક ગુપ્તા અને કે. એમ. જોસેફની ખંડપીઠ કરી રહી હતી.

સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર બળાત્કાર કાંડ મુદ્દે બિહાર સરકારને પૂછ્યું હતું કે, તમે ૨૦૦૪થી બાલિકા ગૃહોને ભંડોળ આપી રહ્યા હતા, પરંતુ તમે થોડી પણ જાણ નથી કે ત્યાં શું થતું હતું. તમે ત્યાં ક્યારેય તપાસ કરવી પણ જરૃરી ના લાગી. બિહારમાં ફક્ત મુઝફ્ફરપુરની સ્વૈચ્છિક સંસ્થા જ શંકાના ઘેરામાં નથી. આ સિવાય પણ અનેક બાલિકા ગૃહમાં યુવતીઓ સલામત નથી. ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સના સામાજિક ઓડિટના અહેવાલમાં આવી ૧૫ સંસ્થાના નામ છે.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા રજૂ કરતા કહ્યું હતું કે, દેશમાં દર છ કલાકે એક બળાત્કાર થાય છે. ૨૦૧૬માં એક જ વર્ષમાં ૩૮,૯૪૭ યુવતીઓ પર બળાત્કાર થયા. સૌથી વધારે બળાત્કારો મધ્ય પ્રદેશમાં થઈ રહ્યા છે અને બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે. આ શું થઈ રહ્યું છે? આ તો નોંધાયેલા બળાત્કારના આંકડા છે. બાલિકા ગૃહોની સુરક્ષા માટે સરકારે સીસીટીવી અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.  આ દરમિયાન સુપ્રીમે દેશના ત્રણ હજાર બાલિકા ગૃહનું સામાજિક ઓડિટ કરવાનો કેન્દ્રને આદેશ કર્યો હતો.