ફરી એક વાર પત્રકાર પર જીવલેણ હુમલો, બિહારમાં પત્રકારને ગોળી મારીને હત્યાનો પ્રયાસ

ફરી એક વાર પત્રકાર પર જીવલેણ હુમલો, બિહારમાં પત્રકારને ગોળી મારીને હત્યાનો પ્રયાસ

પટનાના અરવલમાં રહેતા સ્થાનિક પત્રકાર પંકજ મિશ્રાને આજે બે ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમની સ્થિતિ ખૂબ ગંભીર છે. ગુરુવારે સવારે પંકજ પંજાબ નેશનલ બેન્કમાંથી પૈસા લઈને તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ હથિયાર સાથે રાહ જોઈ રહેલા આરોપીઓએ તેના પર હુમલો કરી દીધો હતો. ત્યારપછી આરોપીઓ પૈસા લૂંટીને ભાગી ગયા હતા. પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પંકજ મિશ્રા હિન્દી ન્યૂઝ પેપર રાષ્ટ્રીય સહારા માટે કામ કરે છે.
અરવલના એસપી દીલીપ કુમારના જણાવ્યા પ્રમાણે જે બે લોકોએ પંકજ ઉપર હુમલો કર્યો છે તે તેમના ગામના જ છે. પંકજ બેન્કમાંથી રૂ. એક લાખ લઈને ઘર તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક પરથી પસાર થતા બે લોકોએ તેમના પૈસા લૂંટીને તેમના પર ગોળી ચલાવી હતી. પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અંગત દુશ્મનીમાં પંકજ મિશ્રા ઉપર આ હુમલો થયો હોવાનું માનવામાં આવે છે.