વડોદરાઃ તાજિયાની ઉઘરાણીના મુદ્દે આધેડની કરપીણ હત્યા

વડોદરાઃ તાજિયાની ઉઘરાણીના મુદ્દે આધેડની કરપીણ હત્યા

વડોદરાઃ શહેરના બાપોદ વિસ્તારમાં મંગળવાર બપોરે તાજિયાની ઉઘરાણીના મુદ્દે બોલાચાલી થતાં મુસ્લીમ યુવકે ઉશ્કેરાઈને હિન્દુ આધેડ દંપતી પર હુમલો કર્યો હતો. તેણે દંપતી પૈકી પત્નીને લાતો મારી ફંગોળી દીધા બાદ પતિના પેટમાં ખંજરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતાં ચકચાર મચી હતી. 
બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પત્ની અને પુત્ર સાથે રહેતા ૫૭ વર્ષીય મનહરભાઈ અમથાલાલ વરિયા ટેમ્પો ડ્રાઈવીંગ કરતાં હતા. આજે બપોરે તે જમીને રાબેતા મુજબ ઘર નીચે આવેલા પાણીના પંપ પાસે બેસવા માટે ગયા હતા. આ દરમિયાન તેમના ઘર પાસે વુડાના મકાનમાં રહેતો નાસીર નામનો યુવક તેમની પાસે ગયો હતો અને તેણે તાજિયા બેસાડવા માટે તેમની પાસે ઉઘરાણી કરી હતી. ઉઘરાણી આપવાના મુદ્દે તેઓની વચ્ચે રકઝક થતાં જ નાસીરે ઉશ્કેરાઈને મનહરભાઈ પર હુમલો કર્યો હતો. તેઓની વચ્ચે થયેલી બોલાચાલીના પગલે મનહરભાઈના પત્ની પણ ત્યાં આવી પહોંચતા તેમણે પતિને છોડાવવા માટે દરમિયાનગીરી કરી હતી પરંતુ નાસીરે તેમને લાતો મારીને દુર ફંગોળી દીધા હતાં અને ત્યારબાદ તેની પાસેના ખંજર વડે મનહરભાઈ પર હુમલો કરી તેમના પેટ અને કમરના ભાગે ખંજરના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. મનહરભાઈ અને તેમની પત્નીએ બચાવ માટે પાડેલી બુમોના પગલે ટોળું ભેગુ થતાં જ નાસીર ત્યાંથી ફરાર થયો હતો. 
બીજીતરફ ખંજરના ઘા ઝીંકાતા મનહરભાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ઢળી પડયા હતા. આ બનાવની જાણ થતાં જ  મનહરભાઈનો પુત્ર હિતેશ ઘરેથી નીચે દોડી ગયો હતો અને તેણે મિત્રોની મદદથી ઈજાગ્રસ્ત માતા-પિતાને સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા જયા ડોક્ટરોએ તમને મૃત જાહેર કર્યા હતા. મુસ્લીમ યુવકે તાજિયાની ઉઘરાણી માટે હિન્દુ આધેડની હત્યાના બનાવની જાણ થતાં જ આ વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો અને સયાજી હોસ્પિટલમાં હાજર યુવકોએ પણ આ બનાવ સામે રોષ વ્યક્ત કર્યો હતો. બીજીતરફ બાપાોદ પોલીસને હત્યાના બનાવની જાણ કરાતાં પોલીસે મનહરભાઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી નાસીર સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.