ભરૂચમાં વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી બાઇક સવાર બે ગઠિયા ફરાર, એકની ઓળખ થઇ

ભરૂચમાં વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી બાઇક સવાર બે ગઠિયા ફરાર, એકની ઓળખ થઇ

ભરૂચઃ શહેરના સિદ્ધનાથ નગર ખાતે રહેતો યુવાન તેના માતા-પિતા સાથે સોસાયટીમાં ચાલવા નીકળ્યો હતો. તે સમયે એક બાકઇ પર બે યુવાનોએ આવી તેની માતાના ગળામાંથી 50 હજારના મત્તાની સોનાની ચેઇન આંચકી ભાગી છુટ્યાં હતાં. ઘટનામાં યુવાને ચેઇન સ્નેચિંગ કરનારા એક ગઠિયાને ઓળખી જતાં તેણે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના સિદ્ધનાથ નગર ખાતે રહેતો તુષાર પ્રેમુભાઇ ચૌહાણ અંક્લેશ્વરની એશિયન્ટ પેઇન્ટ કંપનીમાં નોકરી કરે છે. તેની માતા ધનલક્ષ્મી તેમજ પિતા પ્રેમુભાઇ વયોવૃદ્ધ હોઇ તેમજ તેઓ હાર્ટના પેશન્ટ હોઇ તુષાર તેના માતા-પિતાને લઇને સાંજના સમયે સોસાયટીમાં ચાલવા માટે નિકળ્યો હતો. દરમિયાન એક કાળા કલરની પલ્સર બાઇક પર બે યુવાનોએ તેમની પાસે આવી તેની માતાના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઇન આંચકી તેમને ધક્કો મારતાં તેઓ પડી ગયાં હતાં. ધક્કો મારવાને કારણે તેની માતાને ખભાઓમાં ફેક્ચર થતાં નજીકના અરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે  આગળની કાર્યવાહી હાથ ધરી છે.