ગુડગાંવની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના બાળકની હત્યા, સ્કુલબસના કન્ડક્ટરની ધરપકડ

ગુડગાંવની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના બાળકની હત્યા, સ્કુલબસના કન્ડક્ટરની ધરપકડ

ગુડગાંવ: ગુડગાંવમાં આવેલ રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સાત વર્ષના બાળકની શંકાસ્પદ હાલતમાં હત્યા થયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. સ્કૂલના ટોયલેટમાંથી બાળકની લાશ મળી આવી છે. પોલીસે સ્કૂલ પરિસરમાં પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. મૃતક બાળકના પિતાએ જણાવ્યું કે, આ હત્યા કેસ છે. ઘટના પછી વાલીઓએ સ્કૂલમાં તોડફોડ કરી છે અને સ્કૂલતંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વાલીઓએ ગુડગાંવ પોલીસ કમિશ્નરની ઓફિસ બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇની આશંકા
7 વર્ષીય પ્રદ્યુમન બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. બાળકની લાશ સ્કૂલના ટોયલેટમાંથી મળી છે અને તેની સાથે એક ચપ્પુ પણ મળી આવ્યું છે. પરિવારજનોને પ્રદ્યુમન વિશે માહિતી મળતા જ તેઓ સ્કૂલ જવા રવાના થયા હતા પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત સ્કૂલ પહોંચી ગઈ હતી. તેમણે બાળકનો મૃતદેહ કબજે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસ તપાસ કરી રહી છે કે, સ્કૂલમાં બાળકનું એવું દુશ્મન કોણ હોઈ શકે જેણે આટલી નિર્દય રીતે બાળકની હત્યા કરી છે. તે ઉપરાતં બાળકની લાશ પાસેથી ચપ્પુ પણ મળી આવ્યું છે. તો આ ચપ્પુ સ્કૂલમાં કેવી રીતે પહોંચ્યું તેની પણ તપાસ કરવામાં આવી છે.
બાળકના પિતા વરુણે કહ્યું કે, આ મર્ડર કેસ છે એટલી મને ખબર છે. કેવી રીતે થયું તે મને નથી ખબર પણ એટલું જાણું છું કે આ હત્યા છે. વરુણ ઓરિઅન્ટ ક્રાફ્ટ કંપનીમાં મેનેજર છે. તેમનું કહેવું છે કે, 7 વાગે અને 55 મિનિટે પાંચમાં ધોરણમાં ભણતી દીકરી વિધિ અને દીકરા પ્રદ્યુમનને સ્કૂલ મૂકીને પરત ફર્યા હતા. 15 જ મિનિટમાં એટલે કે 8 વાગે જ સ્કૂલ તરફથી બાળકની હાલત ખરાબ હોવાની માહિતી મળી હતી. તેઓ જ્યાં સુધી સ્કૂલ પહોંચ્યા ત્યાં સુધી બાળકનું મૃત્યું થઈ ગયું હતું. સ્કૂલના કેર ટેકર નિરજા બતરાએ જણાવ્યું કે, આ ઘટના કેવી રીતે બની તે અમને હજુ ખબર નથી પડી. પરંતુ અમને જ્યારે પણ આ વિશે માહિતી મળી અમે તુરંત બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.