પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

બિટકોઈન પ્રકરણમાં 9 સપ્ટેમ્બરના રોજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોટડીયાની મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેર ગામેથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે તેના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જોકે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બિટકોઈન કૌભાંડમાં નલિન કોટડીયાને ભૂમિકા ભજવવા બદલ 66 લાખ રૂપિયા મળવાના હતા. જે પૈકી તેને 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી દ્વારા 25 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઈન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુઆરીના રોજ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.