ડભોઇના ભેજાબાજ પિતા-પુત્રએ શિનોરમાં પણ લાખોની ઠગાઇ કરી ફરાર

ડભોઇના ભેજાબાજ પિતા-પુત્રએ શિનોરમાં પણ લાખોની ઠગાઇ કરી ફરાર

શિનોર તાલુકાના ખેડૂતોનો ખેત ઉત્પાદનનો કાચા માલ ખરીદનાર ડભોઇના ભેજાબાજ પિતા-પુત્ર વેપારી સામે વર્ષ ૨૦૧૬-૧૭ના નાણા રૂ.૬૩.૫૩ લાખની રકમ ખેડૂતોને નહી આપી ખેડૂતો સાથે વિશ્વાસ ઘાત અને છેતરપીંડી કર્યાની શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ગૂન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
શિનોર તાલુકાના સાંધા ગામના ખેડૂત સંદિપકુમાર અંબાલાલ પટેલ દર વર્ષે પાકોની ઉપજ મેળવી તેનું વેચાણ કરે છે. ૨૦૧૬-૧૭ ના વર્ષમાં સોયાબીન, દિવેલા નું વેચાણ ડભોઇની કૌમુદ્દી સોસાયટીમાં રહેતા અને ડભોઇ નગરપાલિકા શોપીંગ સેન્ટરમાં ભાગ્ય લક્ષ્મી ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા દેવેન્દ્રભાઇ છોટાભાઇ પટેલ તથા તેમનો દિકરો ધર્મેન્દ્રભાઇ ઉર્ફે લાલો દેવેન્દ્રભાઇ પટેલને કર્યું હતુ. ખેડૂતો પાસેથી પાક ખરીદી લઇ વેચાણ કરવાનો દંધો કરતા વેપારી પિતા પુત્ર છેલ્લા પાંચેક વર્ષથી ખેતીની ઉપજ વેચાણ લઇ જઇ નામાં આપતા હતા. ૨૦૧૬-૧૭નાં વર્ષમાં સંદિપ પટેલ તેમજ શિનોર તાલુકાનાં સાંધા, અવાખલ, મોટા ફોફળિયા, પુનિયાદ વગેરે ગામોમાં ૩૧ જેટલા ખેડૂતો પાસેથી દિવેલા, સોયાબીન, મકાઇ તુવેર, વિગેરે પાક ઉજતની રૂ.૬૩,૫૩,૪૮૦ ની ખરીદી કરી હતી. અને તેમનાં ચેકો જે તે ખેડૂતોને આપ્યા હતા. પણ તે બેંકમાંથી રીર્ટન થયા છે. ભાગ્યલક્ષ્મી પેઢીના દેવેન્દ્રભાઇ પટેલનો સંપર્ક કરતા તેમનો દિકરો તેના પરિવાર સાથે બહાર કહ્યા વગર જતો રહ્યો છે તે આવશે ત્યારે તમારા નાણાની રકમ આપીશું તેમ જણાવતા હતા. પાકની ઉપજની ખરીદી ધર્મેશ ઉર્ફે લાલો કરતો અને નાણાની લેવડદેવડ તેના પિતા દેવેન્દ્ર પટેલ કરતા હતા. ડભોઇ તાલુકા તેમજ અન્ય તાલુકાના ખેડુતો સાથે છેતરપીંડી કરેલી હોવાનું જાણમાં આવતા સાંધા ગામના ખેડુત સંદિપ પટેલે ભેજાબાજ વેપારી પિતાપુત્ર સામે શિનોર તાલુકાના ૩૧ જેટલા ખેડુતો સાથે છેતરપીંડીની ફરિયાદ નોધાવી છે.