વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમ યુવકને ચાકુ ઝીંકી હત્યાનો પ્રયાસ

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમ યુવકને ચાકુ ઝીંકી હત્યાનો પ્રયાસ

વડોદરાઃ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગત રાત્રે મિત્રોના ઝઘડામાં દરમિયાનગીરી કરનાર યુવક પર ઝઘડી રહેલા બે યુવકોએ ચાકુથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરતાં યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડાયો હતો. નવાયાર્ડ વિસ્તારના જુની રામવાડીમાં રહેતો ૨૦ વર્ષીય નિશાંત કિરીટભાઈ સોલંકી ફતેગંજ વિસ્તારમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. ગઈ કાલે રાત્રે અગિયાર વાગે તે તેના ભાઈના મિત્ર ઐલેશ સાથે બાઈક પર નવાયાર્ડ નાળા ખાતે તેમના મિત્ર નિકેતનને મળવા માટે ગયો હતો.  તેઓ ત્યાં પહોંચતા જાણ થઈ હતી કે નવાયાર્ડની રમણીકલાલની ચાલમાં રહેતા નિકેતન તેમજ નિલેશ ભાનુ પરમાર, વિશાલ ઉર્ફ કાલુ મગન વાઘેલા અને વિશાલ મનુભાઈ પરમાર અંદરોઅંદર ઝઘડો કરી એકબીજાને અપશબ્દો બોલી રહ્યા છે. નિશાંતે તુરંત ઝઘડામાં દરમિયાનગીરી કરી હતી અને મિત્રોને અપશબ્દો નહી બોલવા માટે સમજાવ્યા હતા. જોકે તેની દરમિયાનગીરીથી વિશાલ પરમાર અને વિશાલ ઉર્ફ કાલુ વાઘેલા એકદમ તેની પર ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ નિશાંત સાથે બોલાચાલી કરી હતી અને તે પૈકીના વિશાલ પરમારે તેની પાસેના ચાકુ વડે હુમલો કરી તેના પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો. હુમલાના પગલે લોહીલુહાણ બનેલો નિશાંત નીચે ફસડાઈ પડતાં ટોળું ભેગું થયું હતું. તેને છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા ફતેગંજ પોલીસને આ બનાવની જાણ કરાઈ હતી. પોલીસે વિશાલ પરમાર અને વિશાલ વાઘેલા સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તે પૈકીના વિશાલ વાઘેલાની ધરપકડ કરી હતી.