પુણે IPL ૧૦ની ફાઇનલમાં

પુણે IPL ૧૦ની ફાઇનલમાં

મુંબઇની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૪૨ રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી પાર્થિવ પટેલે સૌથી વધારે ૫૨ રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં પુણે તરફથી મેન ઓફ ધ મેચ વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી. હવે મુંબઇનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સના વિજેતા સામે થશે.

ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના રાહુલ ત્રિપાઠીને પ્રથમ ઓવરમાં જ બોલ્ડ કરી મેક્લેનઘને મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. પુણેનો સ્કોર હજુ ડબલ ફિગરે પણ પહોંચ્યો નહોતો ત્યારે લસિથ મલિંગાએ બીજી જ ઓવરમાં કેપ્ટન સ્ટીવન સ્મિથને બોલ્ડ કરી પુણેને બીજો ઝટકો આપ્યો હતો. શરૂઆતી બે વિકેટ ગુમાવ્યા બાદ અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે અને મનોજ તિવારીએ ત્રીજી વિકેટ માટે ૮૦ રન જોડયા હતા. આ દરમિયાન રહાણેએ પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી. તેણે ૪૩ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા. રહાણેની વિકેટ બાદ તિવારી અને ધોનીએ ચોથી વિકેટ માટે ૭૩ રન જોડી ટીમનો સ્કોર ૧૬૨ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયો હતો.