100 કરોડ લોકો જોશે પાક-ઈન્ડિયાનો હાઈવોલ્ટેજ મુકાબલો

100 કરોડ લોકો જોશે પાક-ઈન્ડિયાનો હાઈવોલ્ટેજ મુકાબલો

ક્રિકેટ સાથે સંકળાયેલી અનેક એજન્સીઓનો દાવો છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની રવિવારે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ આશરે 100 કરોડ લોકો નિહાળશે. એટલે કે વિશ્વની 12.5 ટકા વસ્તી આ મેચ જોશે. જો આવું થશે તો તે સૌથી વધુ જોનારી ક્રિકેટ મેચ હશે. બેઈજીંગ ઓલિમ્પિક અને ક્રિકેટ વર્લ્ડકપ કરતાં પણ વધુ લોકો ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ જોશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરનારી સ્પોટર્સ ચેનલ્સે જાહેરાતના રેટમાં 10 ગણો વધારો કર્યો છે. આ ચેનલ્સ પર મેચ દરમિયાન દેખાડવામાં આવતી 30 સેકન્ડની જાહેરાત માટે એક કરોડ રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. તે ઉપરાંત બ્રિટનમાં ગેમ્બલિંગ કાયદેસર હોવાથી તેમ ટેક્નોલોજીની મદદના કારણે મેચ માટે 2000 કરોડનો સટ્ટો રમાવવાનો ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશનનો અંદાજ છે.

ફેડરેશનના CEO રોલેન્ડ લેન્ડર્સે કહ્યું કે, “ ભારત-પાકિસ્તાન કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં 10 વર્ષમાં પહેલી વાર ટકરાઇ રહ્યા હોવાથી ખૂબ સટ્ટો ખેલાઇ રહ્યો છે.” તેમણે એમ પણ જણાવ્યું કે, “ મેચનું પરિણામ તો સટ્ટાનો માત્ર એક હિસ્સો છે. 10 ઓવરના અંતે બંને ટીમનો સ્કોર કેટલો હશે, બંને ટીમનો કુલ સ્કોર કેટલો થશે વગેરે જેવા મેચના અન્ય ઘણા પાસા પર સટ્ટો રમાઇ શકે છે.” દરમિયાન, મુંબઇના 3 દિવસના પ્રવાસે પહોંચેલા ભાજપ પ્રમુખ અમિત શાહે ભારત-પાક. વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પુન: સ્થપાય તેવી શક્યતા નકારતાં કહ્યું કે બંને દેશ માત્ર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં એકબીજા સામે રમશે.