હોમ સાયન્સ ફેકલ્ટીમાં રીડિંગ રૂમને વર્ગખંડમાં ફેરવીનાખવા સામે વિરોધ

હોમ સાયન્સ ફેકલ્ટીમાં રીડિંગ રૂમને વર્ગખંડમાં ફેરવીનાખવા સામે વિરોધ

વડોદરા: હોમ સાયન્સ ફેકલ્ટીમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને કલાસ રૂમ નહિ ફાળવી શકતાં ફેકલ્ટી સત્તાધીશોએ રીડિંગ રૂમને કલાસરૂમમાં ફેરવી દેતાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરીને ડીનને રજૂઆતો કરી હતી. તેમજ ડીનની કેબિનની બહાર રામધૂન કરી હતી.

છેલ્લા કેટલાય સમયથી હોમ સાયન્સ ફેકલ્ટીમાં આવેલા ઇન્ટિરિર ડિઝાઇનિંગના સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં 1 લાખની જંગી ફી ભરીને પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને કલાસરૂમ નહિ આપી શકનાર સત્તાધીશોએ ફેકલ્ટીના રીડિંગ રૂમને કલાસ રૂમમાં ફેરવી નાખતાં વિદ્યાર્થીઓએ આજે હલ્લાબોલ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 
વીપી પ્રિયંકા પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ડીનને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પ્રથમ,બીજા અને ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીઓ રીડિંગ રૂમનો ઉપયોગ કરતી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું પ્રોજેકટ વર્ક પણ કરવામાં આવતું હતું. પરંતુ અચાનક ફેકલ્ટી ડીન દ્વારા અચાનક આઇડી વિભાગના વિદ્યાર્થીઓને રીડિંગ રૂમ ફાળવી દેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓની જાણ બહાર નિર્ણય કરવામાં આવ્યો છે. આઇડી વિભાગના વિદ્યાર્થીઓ પણ ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓ છે અને તેમની પાસેથી 1 લાખ રૂપિયા જેટલી જંગી ફી લઇને પણ અત્યાર સુધીમાં સુવિધા આપવામાં આવી નથી. સત્તાધીશોના તઘલખી નિર્ણયનો વિરોધ કરીને ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. બીજી તરફ વિદ્યાર્થીઓએ જાતે રીડિંગ રૂમ પર કબજો જમાવી દીધો હતો અને રૂમનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થઓને ફેકલ્ટી ડીને જણાવ્યું હતું કે યુનિ. સત્તાધીશોનો નિર્ણય છે. મેં બાબતે તેમનું ધ્યાન પણ દોર્યું હતું. જોકે મારી વાત કોઇ સાંભળવા તૈયાર નથી. જોકે તેમના નિવેદન અંગે ફેકલ્ટી ડીનનો સંપર્ક સાધવામાં આવતાં તેમનો સંપર્ક થઇ શકયો ના હતો.