GST બિલ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર

GST બિલ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી બિલ રજૂ કર્યું હતું. નીતિન પટેલે ૨૨૩ પાનાનું આ બિલ રજૂ કરતાની સાથે જ તેના ઉપર ચર્ચા શરૂ થઇ હતી. આખરે બિલને સર્વસંમતિથી લીલીઝંડી આપી દેવામાં આવી હતી. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષો જુની કર પ્રણાલિમાં ધરખમ ફેરફાર થશે અને ગણતરીની ચીજ વસ્તુને બાદ કરતા તમામને જીએસટીનો નવો કાયદો લાગૂ પડશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભાએ સર્વાનુમતે કાયદો મંજુર કરી દીધો છે. અને દેશની તમામ વિધાનસભાઓમાં જીએસટી કાયદાને મંજુરી આપવાની બંધારણીય પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ગુજરાત વિધાનસભાએ સર્વાનુમત્તે જીએસટી બિલ મંજુર કરીને દેશના ઐતિહાસિક કામમાં પોતાની ભૂમિકા નીભાવી છે.

ગુજરાત વિધાનસભાના એક દિવસના વિશેષસત્રમાં ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક ૨૦૧૭ની રજૂઆત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ ંકે, દેશના અનેક ભિન્ન ભિન્ન વિચારસરણી અને વિભિન્ન મતો હોવા છતાં ભારતની એકતા અને દેશના ગરીબોના કલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સાથે રાખીને લોકસભા અને રાજ્યસભામાં સર્વાનુમતિ સાધીને જીએસટીનો ઐતિહાસિક કાયદો બનાવ્યો છે. આગામી તારીખ પહેલી જુલાઈથઈ સમગ્ર દેશમાં અમલી થનારા આ કાયદાને ગુજરાત વિધાનસભામાં પણ સર્વાનુમતે મંજુરી આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના સહુ સભ્યો ગૌરવ લઇ શકે એ રીતે ભારત દેશની કાયાપલટ કરનાર આ ઐતિહાસિક બિલને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે