વેચી દેવામાં આવશે એર ઇન્ડિયા

વેચી દેવામાં આવશે એર ઇન્ડિયા

‘એર ઇન્ડિયા’ પ્રાઇવેટ સેક્ટરને વેચી દેવાનું વિચારે છે, એમ દેશના નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે. એ માટે રોકાણકારની શોધ ચલાવાઈ રહી છે, એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમના આ સ્ટેટમેન્ટથી એર ઇન્ડિયા સહિત સિવિલ એવિએશનની અન્ય કંપનીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે.

દૂરદર્શન પર કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના લેખાંજોખાંના એક કાર્યક્રમ દરમિયાન નાણાપ્રધાન જેટલીએ કહ્યું હતું કે જો યોગ્ય રોકાણકાર મળે તો સરકાર એર ઇન્ડિયામાંથી પોતાનો હાથ કાઢી લેવા માગે છે. જો અન્ય કંપનીઓ દેશનો ૮૪ ટકા વ્યવસાય સંભાળી શકતી હોય તો એર ઇન્ડિયાને પણ તેઓ સંભાળી જ શકે. ડોમેસ્ટિક માર્કેટમાં એર ઇન્ડિયા માત્ર ૧૪ ટકા જ હિસ્સો ધરાવે છે. જ્યારે ઇન્ડિગો ૩૯.૮ ટકા ને ૧૫.૫ ટકા હિસ્સો જેટ એરવેઝ પાસે છે. હાલ એર ઇન્ડિયા પર રૂપિયા ૫૦ હજાર કરોડનું દેવું છે.

અરુણ જેટલીએ કહ્યું હતું કે વાજપેયીની સરકારમાં થોડો વખત મેં એવિએશન મિનિસ્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એ વખતે જ એર ઇન્ડિયાને ડિસઇન્વેસ્ટમેનટ કરવાની ફાઇલ પર મેં સહી કરી હતી. ખાનગી કંપનીઓની ખોટ ટેક્સપેયરના ખિસ્સામાંથી નથી જતી. જ્યારે એર ઇન્ડિયાની ખોટ ટેક્સપેયરોએ ભોગવવી પડે છે. સરકારી તિજોરીમાંથી એના નુકસાનીની ભરપાઈ કરાય છે. જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરાશે તો એ જ રૂપિયા લોકસેવાના અન્ય કામ માટે ફાળવી શકાશે.

અરુણ જેટલીના એ સ્ટેટમેન્ટના ગંભીર પ્રત્યાઘાત પડયા છે. એર ઇન્ડિયાના કર્મચારીઓનું કહેવું છે કે રેલવેના અનુભવને કામે લગાડી એર ઇન્ડિયાના નવા અધ્યક્ષ અશ્વિની લોહાણી તેને બેઠી કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ મળી રહી છે ત્યારે સરકારનું એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવું યોગ્ય નથી. ડોમેસ્ટિક માર્કેટમાં ૧૪ ટકા જ હિસ્સો ધરાવતી એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૫૩ ટકા હિસ્સો ધરાવે છે અને તેની મુખ્ય આવક જ આંતરરાષ્ટ્રીય માર્કેટના કારણે છે એથી તે ખાનગી કંપનીઓને વેચી દેવી યોગ્ય નહી ગણાય. દેશભરમાં એર ઇન્ડિયાની ૫૦ જેટલી મિલકતો આવી છે.સોર્સ સંદેશ ન્યૂઝ