કચરો ઉપાડવાનું ટેન્ડર  ડબલ ભાવે

કચરો ઉપાડવાનું ટેન્ડર  ડબલ ભાવે

અગાઉ ૨૦૧૦માં ટેન્ડરો બહાર પડાયા ત્યારે એક ટન કચરો ઉપાડવાનો ભાવ રૃા. ૭૫૦ હતો તે વધીને ૨૦૧૭માં રૃા. ૧૫૨૫નો થયો છે. આ  અંગેના ટેન્ડરોમાં નવી બાબત એ છે કે અગાઉ રહેણાંકની મિલકતોમાંથી જ કચરો ઉપાડવાનો હતો, તેમાં હવેથી કોમર્શીયલ મિલકતોનો પણ ઉમેરો થયો છે.

આ અંગે હેલ્થ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, જુદા જુદા ૮ કોન્ટ્રાક્ટરોના પાંચ વર્ષની કામગીરીના રૃા. ૩૩૮,૪૮,૨૭,૫૦૦ના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી છે. રહેણાંકની ૧૪.૩૩ લાખ અને કોમર્શિયલની ૪.૫૯ લાખ મિલકતોમાંથી ઘરે-ઘરેના ધોરણે કચરો એકઠો કરવામાં આવશે. અગાઉના વર્ષો કરતાં બન્ને મળીને ૬.૮૦ લાખ મિલકતોનો ઉમેરો થયો છે. સવારના ૭થી ૧૧ રહેણાંકના ઘરોમાંથી અને સાંજે ૬થી ૯ કોમર્શિયલ ઓફિસો-દુકાનોમાંથી કચરો એકઠો કરવામાં આવશે. અગાઉ પ્રત્યેક વાહન ૩૦૦૦ મિલકતોમાંથી કચરો એકઠું કરતું હતું, તે ઘટાડીને ૧૫૦૦ મિલકતો કરવામાં આવી છે. નાના રોડમાં છોટા હાથી અને પેડલ રીક્ષાઓ જશે.
આ અંગેના ટેન્ડરો બહાર પડયા ત્યારે પ્રિબિડ મીટીંગ નહીં કરાઇ હોવાનો વિવાદ થયો હતો. બાદમાં કેસ કોર્ટમાં પણ ગયો હતો. જેના કારણે ૩૩૮.૪૮ કરોડના ટેન્ડરો ટલ્લે ચડી ગયા હતા.